×

શાખાની કામગીરી

પંચાયત સિંચાઇ વિભાગ, જૂનાગઢમાં કરવામાં આવતી કામગીરીની સંક્ષિપ્ત નોંધ સમગ્ર ભારતમાં ઐતિહાસિક દષ્ટ્રિએ પ્રખ્યાત તથા મહત્વ ધરાવતા જૂનાગઢ જિલ્લાનો કુલ ભૌગોલીક વિસ્તાર ૫૦૯૩૩૬ હેકટર પૈકી એકંદર વાવેતર વિસ્તાર ૪૪૪૮૪૫ હેકટરની સામે કુલ સિંચાઇ વિસ્તાર ૧૧૭૩૫ હેકટર જમીનને સીધી કે આડકતરી રીતે વાર્ષિક સિંચાઇનો લાભ આપવાનું વામન કદનું પણ મહત્વનું કાર્ય આ વિભાગે કરેલ છે. પંચાયત સિંચાઇ વિભાગ, જૂનાગઢ ધ્વારા જૂનાગઢ જિલ્લામાં નાની સિંચાઇના કામો જેવા કે નાની સિંચાઇ યોજનાઓ, ઉદવહન સિંચાઇ યોજના, અનુશ્રવણ તળાવો, ચેકડેમ યોજનાઓ, અછતમાં થયેલ તળાવોને વેસ્ટ વીયર, વ્યવસ્થિત પાળા બનાવી સલામત તબકકે લાવવાના કામો, બાંધવા તથા તેના મરામત અને જાળવણી કરવી વિગેરે કામગીરી હાથ ધરવામાં આવે છે. આ વિભાગ હેઠળ સમગ્ર જૂનાગઢ જિલ્લાના નાની સિંચાઇના કામોને લગત પ્રાથમિક અહેવાલ, મોજણી સંશોધન, નકશા અંદાજ પત્રકો બનાવવા, બાંધકામ, તેના મરામત અને જાળવણીની કામગીરી તથા કુદરતી આફતો જેવી કે પુર હોનારત, વાવાઝોડું, અછત રાહત કે ભુકંપ સમયે તાકીદની કામગીરી, તાત્કાલીક મરામતની કામગીરી વગેરે હાથ ધરી પુર્ણ કરવામાં આવે છે. નાની સિંચાઇ યોજનાઓ ધ્વારા નાના ડેમો બનાવી તેમાંથી નહેરો કાઢી યોજનાના કમાન્ડ વિસ્તારમાં આવતા આજુબાજુના ગ્રામોને નહેરો ધ્વારા પાણી આપી સિંચાઇ કરવામાં આવે છે. આમ નાની સિંચાઇ યોજનાઓ ધ્વારા સીધો સિંચાઇને લાભ મળે છે. ઉદવહન સિંચાઇ યોજનાઓના કામો ધ્વારા કુવા આધારીત પાઇપ લાઇન કે નહેરો ધ્વારા પાણી આપી સિંચાઇ કરવામાં આવે છે. અનુશ્રવણ તળાવો તથા અછત રાહતમાં ખોદવામાં આવતા તળાવોમાં વ્યવસ્થિત પાળા તથા વેસ્ટ વિયર, બનાવી ચોમાસામાં વરસાદનું પાણી રોકી તળાવમાં સંગ્રહ કરવામાં આવે છે. જેને લીધે તળાવનું પાણી અનુશ્વિત થઇને જમીનમાં ઉતરતા, આજુબાજુના આશરે એક માઇલની ત્રિજયામાં આવતા કુવાઓમાં પાણીની ભુગર્ભ જળસપાટી ઉંચી રહેતા, તળાવ જીવંત રહેશે અને આમ આ પ્રકારના અનુશ્રવણ તળાવો તથા અછત રાહતના તળાવોને સલામત તબકકે લાવવાના કામોથી સિંચાઇનો આડકતરો લાભ મળે છે. ચોમાસામાં વરસાદના વહી જતાં, નદી નાળા વોંકળાના પાણીને ચેકડેમ બાંધી રોકીને તેનો સંગ્રહ કરવામાં આવે છે. આવા આડબંધથી રોકેલા પાણી જમીનમાં અનુશ્વિત થઇને જમીનમાં ઉતરતા, આજુબાજુના આશરે ૧/ર માઇલની ત્રિજયામાં આવતાં કુવાઓમાં પાણીની ભુગર્ભ જળસપાટી ઉંચી રહેતા, તળ જીવંત રહેશે અને આમ ચેકડેમ યોજનાઓ ધ્વારા સિંચાઇનો આડકતરો લાભ મળે છે. આ વિભાગ હેઠળ કુલ ત્રણ પેટા વિભાગો જુદા જુદા કાર્યક્ષેત્રમાં કામગીરી બજાવે છે. જે પૈકી બે પેટા વિભાગનું મુખ્ય મથક જૂનાગઢ છે. જે પૈકી એક પેટા વિભાગમાં જૂનાગઢ, માણાવદર તથા વંથલી તાલુકાઓની કામગીરી હાથ ધરવામાં આવે છે અને બીજા પેટા વિભાગમાં માંગરોળ, માળીયા હાટીના તથા કેશોદ તાલુકાઓની કામગીરી હાથ ધરવામાં આવે છે. એક પેટા વિભાગનું મુખ્ય મથક વિસાવદર છે. જેમાં વિસાવદર, મેંદરડા તથા ભેંસાણ તાલુકાઓની કામગીરી હાથ ધરવામાં આવે છે.